પાઠ 6 :દોરવણી

0
947
VANIJYA VYAVASTHA LESSION 6

પ્રસ્તાવના (Introduction)
સંચાલન ના કાર્યો મા મુખ્યત્વે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશને સમાવેશ થાય છે. પરંતુ સંચાલકોએ લીધેલા નિર્ણય નો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે.

 સંચાલકે પોતાના હાથ નીચેના માણસો પર દેખરેખ રાખવી, તેમને સૂચનાઓ અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે.

દરેક એકમમાં કર્મચારીઓની કાર્ય ક્ષમતા આધાર દોરવણી પર રહેલો છે.

દોરવણીનો અર્થ:
સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓ માર્ગદર્શન આપવું. તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેના કાર્ય જુસ્સો ટકાવી ના અવરોધો રાખવો.
• કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી.’

દોરવણીની લાક્ષણિકતાઓ :

(1) હેતુલક્ષી પ્રવૃત્તિ : દોરવણી નો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપી ને પ્રોત્સાહિત કરવાનો છે જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે છે. આમ, દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે.   

(2) સંચાલન ની બધી સપાટી એ થતું કાર્ય : દોરવણી નું કાર્ય સંચાલન ની દરેક સપાટીએ થતું જોવા મળે છે. ઉચ્ચ અધિકારી પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય, નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. આમ, ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી અપાય છે,

(3) સતત ચાલતી પ્રક્રિયા : ધંધાકીય એકમની પ્રવૃત્તિ જ્યા સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે, 

(4) કાર્ય પર દેખરેખ : દોરવણી આપવાનો ઉદેશ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહિ તે જોવાનો છે. અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્યો થાય છે કે નહી તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રીયા છે.
(5) વિશાળ કાર્યક્ષેત્ર : દોરવણી નું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેમાં કર્મચારીઓનેે માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાની નથી. પરંતુ નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો હોય છે.

(6) માહિતી સંચાર : દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વશરત ગણાય છે. 

(7) પ્રોત્સાહન : કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેને પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે.તેથી વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહન મળે છે.

(8) નિમ્નગામી પ્રવૃત્તિ : દોરવણી એ નિમ્ન ગામી પ્રવૃત્તિ છે, તેમાં હંમેશાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે.

(9) સંચાલકીય કાર્ય : સંચાલન ના વિવિધ કાર્યો જેવાકે, આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતીપ્રેષણ અને અંકુશ સાથે દોરવણી નું કાર્ય સંકળાયેલું છે.

દોરવણીનુ મહત્વ :
ધંધાકીય એકમમાં કર્મચારીઓ ની કાર્યક્ષમતા નો આધાર દોરવણી પર રહેલો છે. સંચાલન પ્રક્રિયા ના વિવિધ કાર્યો પૈકી દોરવણી નું કાર્ય વિશિષ્ટ મહત્વ ધરાવે છે.

(1) કાર્ય ક્ષમતામાં વધારો : વ્યવસ્થાતંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિષયક યોગ્ય દોરવણી આપવામાં આવે. દોરવણી ને કારણે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગે ની સ્પષ્ટતા થાય છે તેથી તેની કાર્યક્ષમતા માં વધારો થાય છે.

(2) કાર્યક્ષમતા નુ વિશ્લેષણ : દોરવણી દ્વારા કર્મચારીઓ કાર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે. તેમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

(3) કર્મચારીઓ ને પ્રોત્સાહન : દોરવણી ને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્યપદ્ધતિ તથા નીતિ-નિયમોથી વાકેફ કરી શકાય છે. કાર્ય અંગેની તેમની દ્વિધા દૂર કરી શકાય છે. જેથી તેેેેેઓને કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે.

(4) અસરકારક આયોજન : ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આયોજન દ્વારા નિર્ધારીત કરેલા ધ્યેયને પાર પાડવા નું કાર્ય દોરવણી દ્વારા થાય છે.

(5) અસરકારક વ્યવસ્થાતંત્ર : દોરવણી ના કારણે દરેક કર્મચારીને તેની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત અધિકારીઓના હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય છે. તેથી સમગ્ર વ્યવસ્થાતંત્ર અસરકારક બને છે.                                                                                                    (6) સંકલન અને સહકાર : દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યોનું સંકલન સાધી શકાય છે. દોરવણી આપનાર નેતા તેના તાબેદારોનાં કાર્યોનું સંકલન કરે છે.     

(7) અંકુશ નું કાર્ય : દોરવણી આપવાથી કર્મચારીઓની કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે. આમ અંકુશનું કાર્ય અસરકારક બને છે.   

(8) કાર્યજુસ્સામાં વધારો : દોરવણી આપવાથી કર્મચારીઓનો કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે. રૂચિ વધે છે. જે કર્મચારીઓનો જુસ્સો વધારે છે.                                                                (9) વિચલનની શોધ : નિર્ધારીત ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. જેથી અનિચ્છનીય વિચલનને પ્રાથમિક તબક્કામાં જ શોધી શકાય છે. 

દોરવણી નાં તત્વો:

દોરવણીના તત્વો

(1) નિરીક્ષણ (2)  અભિપ્રેરણ  (3) નેતૃત્વ (4) માહિતી સંચાર

નિરીક્ષણ (Supervision) :

કામદારોના કાર્ય ની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. નિરીક્ષણનું કાર્ય મોટા ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે.

નિરીક્ષણનું કાર્ય સંચાલન તળ સપાટી વધારે જોવા મળે છે.

કામદારો અને ફોરમેનનાં કાર્યો નું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કરે છે તેને નિરીક્ષક કહે છે.

નિરીક્ષક કામદારો અને ફોરમેનનાં કાર્ય અંગે જવાબદાર હોય છે.

તે સંચાલન ની ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે.

અર્થ :
સરળ અર્થ મા કહી શકાય કે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ.

• આર. સી. ડેવીસના જણાવ્યા મુજબ, ‘નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે.”

નિરીક્ષકના કાર્યો : વિભાગ C અને D most imp
(1) કાર્યોનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા.
(2) કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી.
(3) કર્મચારીઓ ના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમ નો બચાવ થઈ શકે.

(4) કર્મચારીઓની વ્યક્તિગત ઉદેશો ની સમગ્ર એકમની ઉત્પાદકતા ઉદ્દેશો સાથે સાંકળવાના કાર્યો નિરીક્ષક કરે છે.

(5) કર્મચારીઓની કાર્ય ક્ષમતા માં વધારો થાય તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરું પાડે છે.

(6) કર્મચારીઓ માં જૂથ ભાવના ટકાવી રાખે છે.

(7) માહિતી સંચાર ઝડપી બનાવવા નું કાર્ય કરે છે.

(8) એકમ માં આવતી નવી ટેકનોલોજી નો ઉપયોગ વિષયક માર્ગદર્શન આપે છે.

(9) કર્મચારીઓમાં શિસ્ત ની ભાવના ટકાવી રાખે છે.

(10) નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે.

(11) નિરીક્ષક કર્મચારીઓની મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. (Friend, Philosopher and Guide)

 અભિપ્રેરણ 

અભિપ્રેરણ એટલે વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

અભિપ્રેરણ એ એક વિસ્તૃત ખ્યાલ છે, જ્યાં માનવી કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય જરૂરી બને છે. અભિપ્રેરણ માટે ના પ્રેરક માં નાણું, બિન નાણાકીય પ્રોત્સાહન, સગવડો, વણસંતોષાયેલી જરૂરિયાત વગેરેનો સમાવેશ થાય છે.
 

અભિપ્રેરણનો અર્થ  :

સામાન્ય અર્થમાં, કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષ ની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ.’
જુસીઅસના જણાવ્યા મુજબ, ‘ઇચ્છિત કાર્ય ને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે.”

અભિપ્રેરણની લાક્ષણિકતાઓ :

(1) આંતરિક પ્રેરણા : અભિપ્રેરણ એ એક એવું બળ કે શક્તિ છે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. જરૂરિયાત એવી લાગણી છે, જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે.

(2) મનોવૈજ્ઞાનિક ખ્યાલ : અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે. તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી હોય છે.

(3) કર્મચારીઓની કાર્ય ક્ષમતામાં વધારો : અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. 

(4) સતત પ્રક્રિયા : અભિપ્રેરણા પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલ્યા કરે છે.  તે એકમ ની શરૂઆતથી તેના અંત સુધી ચાલુ રહેતી પ્રક્રિયા છે.

(5) ફેરબદલી દરમાં ઘટાડો : અભિપ્રેરણના કારણે કર્મચારીઓ આંતરિક સંતોષમાં વધારો થાય છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીની કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે. કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરી માં ચાલુ રહેવા પ્રેરણા મળે છે. જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે.

(6) ઉદેશોની પ્રાપ્તિ : અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે એટલે કર્મચારીઓની વ્યક્તિગત અને ધંધાકીય એકમોના ઉદેશો ની પ્રાપ્તિ થાય છે.

(7) વિસ્તૃત ક્ષેત્ર : અભિપ્રેરણ ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. 

(8) પરિવર્તનશીલ વ્યવસ્થાતંત્રને અનુરૂપ : આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થાતંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે. અભિપ્રેરણ દ્વારા તેમની યોગ્ય સમજ આપી આવા પરિવર્તનનો સહેલાઈથી સ્વીકાર કરી શકાય છે.

(9) સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન : કર્મચારી ને અભિપ્રેરણ આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે. પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે.

(10) હકારાત્મક અભિગમ : અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમ ને પ્રોત્સાહન આપે છે.

(11) સંચાલન નું એક કાર્ય : અભિપ્રેરણ એ સંચાલનનું એક મહત્વનું કાર્ય કે અંગ ગણાય છે. 

 માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ :

માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિ ને આધારે નક્કી થાય છે.

માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતો અને
અગ્રતાક્રમ નો સિદ્ધાંત 1943 માં ‘માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત’ એ શીર્ષક લેખમાં રજૂ જરૂરિયાતો કર્યો હતો.

આવી પાંચ જરૂરિયાતો તેમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતાક્રમમાં રજૂ કરી છે. 
(1) શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો  : શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાત છે. મૂળભૂત જરૂરિયાતો માં  ખોરાક, પાણી, કપડા, આવાસ વગેરેનો સમાવેશ થાય છે. શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાતએ સૌથી અગ્રતાક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. ભૂખ્યો માણસ ખોરાકને પ્રાધાન્ય આપે છે. એનો અર્થ એ છે કે જ્યાં સુધી માણસની ખોરાક, કપડાં અને
રહેઠાણ જેવી પાયાની જરૂરિયાત સંતોષાય નહીં ત્યાં સુધી તે બીજી જરૂરિયાતને મહત્ત્વ આપતો નથી.

(2) સલામતી ની જરૂરિયાતો : શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા જાય ત્યારે અગ્રતાક્રમની દૃષ્ટિએ સલામતી ની જરૂરિયાત આવે છે.

અહીં શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતા નો સમાવેશ થાય છે.

આ માટે માનવી વીમો લેવો, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું વગેરે જેવા કાર્યો કરે છે. આવી સલામતી માનસિક શાંતિ માટે જરૂરી બને છે.

(3) સામાજિક જરૂરિયાતો : જ્યારે સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય પછી સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે છે.

જેમાં લાગણી અને પ્રેમ નો સમાવેશ થાય છે. માનવી સામાજિક પ્રાણી છે. તેના પોતાના પરિવાર, સગા,સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું તે હંમેશાં ઇચ્છતો હોય છે.

આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા મિત્રો, સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે તેના સહ કર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા  સ્નેહ અને આદર પામે તેવી જરૂરિયાત તે અનુભવે છે..

(4) સન્માન અને પ્રતિષ્ઠા ની જરૂરિયાત : ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાત  નિમ્ન કક્ષાની જરૂરિયાતો હતી.

સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે.

વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે, સાથી કર્મચારીઓ કે અધિકારી પોતાને માન આપે.

તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છા કર્મચારીઓમાં જન્મે અને તે પ્રાપ્ત કરવાની તેની ઝંખના વધે છે.

ટૂંકમાં, સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દા ની પ્રાપ્તિ વગેરેનો જરૂરિયાતો આ ક્રમમાં આવે છે,

(5) આત્મસન્માન અને આત્મસિદ્ધિ જરૂરિયાતો :

માનવીની ઉપરોકત ચારેય જરૂરિયાતો સંતોષાયા  બાદ વ્યક્તિ આત્મસિદ્ધિ કે આત્મદર્શન પ્રાપ્ત કરવા મથે છે.

પ્રત્યેક વ્યક્તિ હંમેશાં સિદ્ધિના શિખરો સર કરી ટોચ ઉપર બિરાજવા ઇચ્છતી હોય છે.

પોતાના કાર્યક્ષેત્ર માં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્ર માં પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય તેવી ઈચ્છા એટલે આત્મસિદ્ધિ ની જરૂરિયાત.

દા.ત., તબલા વાદનમાં ઝાકીર હુસેન, સંતુર વાદન માં શીવકુમાર શર્મા, ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર, અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન, સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકર વગેરે.

નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન 

પ્રોત્સાહનો  : કર્મચારીઓની તેમના કાર્ય પ્રત્યે અભિરુચિ જળવાય રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આ પ્રેરણાને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે.

પ્રોત્સાહનો કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે. કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે.

પ્રોત્સાહનના બે પ્રકાર છે. નાણાકીય પ્રોત્સાહનો અને બિન નાણાકીય પ્રોત્સાહનો


 નાણાકીય પ્રોત્સાહનો :

નાણાકીય પ્રોત્સાહનો આવડત અને કુનેહ ધરાવતા કર્મચારીઓ કે કામદારો માટે વરદાન સમાન છે. કારણ કે નાણાકીય પ્રોત્સાહનો થી તેના ઉત્સાહ, જુસ્સો, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા માં વધારો થાય છે. કર્મચારીઓની આર્થિક સલામતી અને સામાજિક મોભો વધે છે. 

(1) નફામાં ભાગ : એકમને મળતો અધિક નફો  એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસ નું પરિણામ છે. નફામાંથી ચોક્કસ ભાગ, કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે, તેને નફાભાગ કહે છે.

 (2) સહભાગીદારી : કર્મચારી કે કામદારોને એકમ ની માલિકી, સંચાલન અને નફા વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેના સહભાગીદારી કહેવામાં આવે છે. 

(3) બઢતી : કર્મચારીઓ ને તેમના વર્તમાન હોદા ઉપર થી ઊંચા લાભદાયી હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયાને બઢતી કહે છે. જેથી કર્મચારીઓની સત્તા, જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય છે. 

(4) બોનસ : વર્ષના અંતે નક્કી થતા નફામાં કામદારોનુ પ્રદાન હોય છે. આથી બોનસના કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફામાં અમુક ટકા કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવાય છે.

(5) કમિશન : વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓને સિદ્ધ કરેલ વેચાણ મુજબ એકમના માલિક તરફથી  પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે જેને કમિશન કહે છે.

(6) ઇનામો :  કર્મચારી કે કામદારને તેની ઉત્તમ સેવા બદલ રોકડ પુરસ્કાર,પ્રમાણપત્ર અને ચંદ્રક આપી જાહેરમાં સન્માનિત કરવામાં આવે તો કર્મચારીના જુસ્સા,ધગશ અને કાર્યક્ષમતા માં વધારો થાય છે.

(7) સલાહ અને સૂચનો : કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય છે. તેઓ ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો એકમના માલિકને આપે છે.  આવી સલાહ અને સુચનો આપવા માટે કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે.

બિન-નાણાકીય પ્રોત્સાહનો :

જે પ્રોત્સાહનો નાણા આધારીત હોતાં નથી તેવા પ્રોત્સાહનોને બિન નાણાકીય પ્રોત્સાહન કહે છે. બિનનાણાકીય પ્રોત્સાહનો પણ કર્મચારીઓ કે કામદારોના કાર્યજુસ્સામાં વધારો કરે છે.

(1) નોકરીની સલામતી : કર્મચારીઓને ફક્ત વેતન મળે તે અગત્યનું નથી પરંતુ નોકરીની સલામતી પણ અગત્યની છે.

નોકરીની સલામતી મળવા થી કામદારો ઉત્સાહથી કાર્ય કરવા પ્રેરાય છે જેથી એકમના ઉત્પાદનમાં વધારો થાય છે.

(2) કામની કદર અને સન્માન :

જે કર્મચારીઓ એકમ દ્વારા નિર્ધારિત કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસર પૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરતા હોય તેવા કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે છે.

(3) જવાબદારીની સોંપણી : કર્મચારીઓને કાર્યમાં પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ દ્વારા  વિશેષ જવાબદારી સોંપવામાં આવે છે. જવાબદારીની સોંપણીથી કર્મચારીમા વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે.

(4) સલાહકાર :  કર્મચારીઓના અનુભવનો લાભ લેવા તેના મંતવ્યો લેવામાં આવે છે, આમ થાય તો કર્મચારી પોતે કંપનીમા મહત્વ નો હિસ્સો છે તેવું અનુભવે છે અને પ્રોત્સાહિત થાય છે.

(5) કલ્યાણકારી પ્રવૃત્તિ અને સુવિધાઓ : કર્મચારીઓને વેતન ઉપરાંત તબીબી સેવા, સસ્તી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલયની સગવડ, પગાર સહિતની રજાઓ, રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિઓ  વગેરે જેવી અસંખ્ય કલ્યાણકારક પ્રવૃત્તિઓની લાભ આપે છે. તેનાથી કર્મચારીઓ ખંત, ઉત્સાહ અને કાર્યક્ષમતા થી પોતાનું કાર્ય કરે છે.

(6) અન્ય પ્રોત્સાહનો : ઉપરોક્ત પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીઓ ને કાર્ય માટે પ્રોત્સાહિત કરવા બીજાં અન્ય પ્રકારનાં પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. જેમાં રહેઠાણની સગવડ, જીવન વીમાની સેવા, બાળકોના શિક્ષણની ફી, પુસ્તક, ઘરે થી ધંધાકીય એકમ સુધી આવવા-જવાની વાહન સુવિધા વગેરે નો સમાવેશ થાય છે.

 નેતૃત્વ-

અર્થ : કોઈપણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય.

અન્ય વ્યક્તિ માં ધ્યેય સિદ્ધ કરવાની ઇચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ.

લાક્ષણિકતાઓ :

(1) તાબેદાર નું અસ્તિત્વ : નેતા હંમેશાં તાબેદાર ને નેતૃત્વ પૂરું પાડે છે. આથી નેતૃત્વના અમલ માટે તાબેદાર નું અસ્તિત્વ હોવું જરૂરી છે.

(2) સતત પ્રક્રિયા : જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. આમ નેતૃત્વ એ સતત પ્રક્રિયા છે.

(3) નેતૃત્વ નો સ્વીકાર : નેતૃત્વ માટે નેતા અને તાબેદાર હોવા જરૂરી છે. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ. નેતા દોરવણી આપે છે અને તાબેદાર તેને અનુસરે છે.

(4) અવૈધિક અને પ્રભાવ ઉભા કરી શકે તેવા સંબંધો : નેતા એ વૈધિક રીતે અમુક જૂથોનો વડો છે, પરંતુ નેતા એ અવૈધિક રીતે પણ તેના પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન પર અસર ઉપજાવી શકે અને ધ્યેય સિદ્ધિ માટે તેમને પ્રેરિત કરે છે.

(5) આદર્શ વ્યક્તિત્વ : નેતા આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. નેતા પોતાના આચરણ કે વર્તણૂકથી પોતાના તાબેદાર ને પ્રભાવિત કરે છે.

(6) અભિપ્રેરણ : નેતાગીરી તાબેદાર ને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી નેતા પ્રથમ તેમના તાબેદારોને પ્રોત્સાહિત કરી ને ઇચ્છિત પરિણામો મેળવે છે.

(7) હિતની એકવાક્યતા : નેતૃત્વમાં નેતા અને તેના તાબેદાર વચ્ચે હિતોની એકવાક્યતા સધાય છે. 

(8) પરિસ્થિતિ ની અસર : નેતા ની સફળતા નો આધાર ચોક્કસ પરિસ્થિતિ પર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાને સફળતા મળતી નથી.

સારા નેતાના ગુણો

(1) શારીરિક ગુણો : એક પ્રભાવશાળી નેતા માટે સારી શારીરિક તંદુરસ્તી એ પૂર્વ જરૂરિયાત છે. આ ઉપરાંત શારીરિક બાંધો, આકર્ષક સૌદર્ય, શાંત અને આનંદી સ્વભાવ મદદનીશો ને કાર્ય પ્રેરણા આપે છે.

(2) બૌદ્ધિક ગુણ : સારો નેતા બૌદ્ધિક શક્તિ ધરાવતો હોવો જોઈએ. બૌદ્ધિક ગુણોમાં નિર્ણયશક્તિ, માનસિક ક્ષમતા, ગ્રહણશક્તિ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવા જ્ઞાન મેળવવાની તૈયારી, તર્ક શક્તિ, દીર્ઘદ્રષ્ટિ તથા વિવિધ કૌશલ્યો જેવાં કે વકતૃત્વ કળા, ગણન કૌશલ્યો, આંતર સંબંધો નું જ્ઞાન તથા માનવીય કૌશલ્યો વગેરેનો સમાવેશ થાય છે.

(3) માનસિક ગુણો : મનોવૈજ્ઞાનિક ગુણોમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉત્સાહ, સાહસિકતા, સહકાર ની ભાવના, બુદ્ધિ ચાતુર્ય, કાર્ય રૂચિ, લાગણી તથા વિવેક વર્તનનો સમાવેશ થાય છે.

6.6 માહિતી સંચાર:

માહિતી સંચાર એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે. વર્તમાન યુગ માહિતી સંચાર શબ્દો, પત્રો, સૂચનાઓ, વિચારો, મંતવ્યો વગેરે ની આપ-લે કરવાની પ્રક્રિયા છે.

તળ સપાટીથી કેટલીક માહિતી પરની સપાટીએ અહેવાલ સ્વરૂપે મોકલવાની જરૂર પડે છે. આ માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ. 

માહિતી સંચારનો અર્થ  :

એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી, જેથી બીજી વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિ ના ઉદેશો ને સમજી શકે અને તેનો અમલ કરી શકે.

• માહિતી સંચાર એ શબ્દો, પત્ર, સૂચનાઓ, વિચારો કે મંતવ્યો નો આદાન-પ્રદાન કે આપ-લે કરવાની પ્રક્રિયા છે.

 લાક્ષણિકતાઓ  :

(1) હેતુલક્ષી પ્રક્રિયા : માહિતી સંચાર નો હેતુ ફક્ત માહિતી આપવાનો કે લેવાનો નથી પરંતુ તે દ્વારા ઔદ્યોગિક એકમના ચોક્ક્સ હેતુ સિદ્ધ કરવાનો છે. 

(2) શબ્દો અને ભાષા સ્પષ્ટ હોવી જોઈએ : માહિતીસંચાર માં જ શબ્દો અને ભાષા વપરાય તે સ્પષ્ટ હોવાં જોઈએ. દ્વિઅર્થી ન હોવા જોઈએ.

(3) દ્વિમાર્ગી પ્રક્રિયા : માહિતી સંચાર ની પ્રક્રિયા દ્વિમાર્ગી છે. 
 જરૂરી માહિતી મધ્ય અને તળ સપાટીને મોકલી આપે છે જ્યારે મધ્ય અને તળ સપાટીથી જરૂરી માહિતી રિપોર્ટ સ્વરૂપે મેળવવામાં આવે છે.

(4) કાયમી પ્રક્રિયા : માહિતી સંચાર એ સતત અને કાયમી ચાલતી પ્રક્રિયા છે. જે એકમના અંત સુધી ચાલે છે.

(5) અસંખ્ય સાધનો : આધુનિક સમયમાં માહિતી સંચારને અસરકારક બનાવવામાં અનેક સાધનોનો ઉપયોગ થાય છે. તેમાં મૌખિક અને લેખિત સંદેશા, ટેલીફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, એસ.એમ.એસ.,  વગેરેનો ઉપયોગ થાય છે.

(6) અનેક પ્રકાર અને પદ્ધતિ : માહિતી સંચારના અનેક પ્રકાર અને પદ્ધતિઓ છે જેવી કે આંતરિક માહિતી સંચાર, બાહા માહિતીસંચાર, લેખિત માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર પદ્ધતિઓનો ઉપયોગ થાય છે..

(7) કાર્યપ્રેરક પ્રવૃત્તિ : માહિતી સંચારની પ્રવૃત્તિને કારણે અધિકારીમાં અને કર્મચારીઓમાં કાર્ય સમજ વધે છે, પરિણામે તેને કાર્ય કરવાની પ્રેરણા મળે છે.

(8) વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ : માહિતી સંચાર એ મુખ્યત્વે એ કામના વહીવટ સાથે સંબંધ ધરાવે છે.


(9) માનવીય પ્રક્રિયા : માહિતી સંચારનાં માધ્યમો ગમે તે હોય પરંતુ માનવી વગર અને તેના કૌશલ્ય વગર માહિતી સંચાર નો અમલ થઈ શકતો નથી. માહિતી સંચાર કરતી વખતે ભય, લાગણી, ક્રોધ વગેરે ઘણા બાબતો અસર કરે છે જેથી તે માનવીય પ્રવૃત્તિ છે.

 

વૈધિક અને અવૈધિક માહિતી સંચાર :

માહિતી સંચારના સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર છે.

(1) વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર (2) અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર

વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર  :

  • જે માહિતી સંચાર ધંધાના ઉદેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્ર ના નીતિ-નિયમો પર આધારિત હોય તેને વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે.
  • આ માહિતીસંચારની વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે (વૈધિક રીતે) સંકળાયેલા હોય છે.
  • તેનો ઉદેશ અંકુશ અને સંકલન નો હોય છે.
  • આ પ્રકારનો માહિતી સંચાર મહદ અંશે લેખિત સ્વરૂપ હોય છે.
  • આ માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે.

ઉદાહરણ.
(i) અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો.
(ii) કર્મચારીઓને બઢતી કે બદલી માટે ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત પત્ર.

  વૈધિક કે ઔપચારિક માહિતી સંચારની લાક્ષણિકતાઓ :

(1) આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈધિક રીતે સંકળાયેલી હોય છે.
(2) ઉદેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકલન નો હોય છે.
(3) વૈધિક માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપમાં હોય છે.
(4) આવા માહિતી સંચાર નો સ્વીકાર વ્યવસ્થા તંત્રની એક નીતિ તરીકે થાય છે.
(5) વ્યવસ્થાતંત્ર ના માળખાને આધારિત હોય છે.
(6) વૈધિક માહિતી સંચાર ધંધાની ઉદેશો ની સિદ્ધિ માટે તૈયાર કરાય છે.
(7) સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે.

 

(2) અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર  : જે માહિતી સંચાર
વ્યવસ્થાતંત્ર માં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈધિક માહિતી સંચાર કહે છે.

આ માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ અને સરળ હોય છે. જેમાં અંકુશ અને આદેશની જરૂરીયાત હોતી નથી.


અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચારની  લાક્ષણિકતાઓ :

(1) માનવ સંબંધો ઉપર આધારિત હોય છે.
(2) અંકુશ કે આ દેશની જરૂરીયાત હોતી નથી.
(3) મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય છે.
(4) માનવીય સંબંધો કે મિત્રતા પર આધારિત હોય છે.
(5) પરિવર્તનશીલ અને સરળ હોય છે.
(6) આ માહિતી સંચાર માં વિધિ ને કોઈ મહત્ત્વ નથી.
(7) વ્યવસ્થાતંત્ર ને વધુ સંકલિત અને વધુ વિશ્વનિયતા પ્રદાન કરે છે.
(8) અવૈધિક માહિતી સંચાર એ વૈદિક માહિતી સંચાર વિકલ્પ નહિ, પરંતુ પૂરક છે.

 

અસરકારક માહિતી સંચાર ના અવરોધો  :

માહિતી સંચાર એ માનવીય પ્રવૃતિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી, ભૂલો, અનુમાનો, અસમજ, અવિશ્વાસ અને ડર વગેરે માહિતી સંચાર વખતે અવરોધકો બને છે. આવા અવરોધો નીચે મુજબ છે.

(1) સ્પષ્ટ આયોજનનો અભાવ : માહિતી મોકલતા પહેલા કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે.

(2) ભાષાંતર ની ભૂલો : મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિ ઉપરી અધિકારી પાસેથી સંદેશાઓ મેળવે છે. આવા સંદેશા માતૃભાષા માં ન પણ હોય. આ માહિતીનું અર્થઘટન કરીને માહિતીને નીચલી સપાટી તરફ મોકલવામાં આવે ત્યારે ભાષાંતર ની ભૂલો થવાની શક્યતા રહે છે.

(3) અસ્પષ્ટ સંદેશા : માહિતી સંચારના વિવિધ માધ્યમો ના ઉપયોગમાં ઘણી વખત મહત્ત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. શબ્દોની કે વાક્યોની અયોગ્ય ગોઠવણ હોય છે.  પરિણામે આવા સંદેશા માહિતી મેળવનાર ને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ જાય છે અને માહિતી સંચાર અવરોધાય છે.

(4) અસ્પષ્ટ અનુમાનો : ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વધારણાઓ પર રહેલો હોય છે. આ અનુમાન અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્વ બદલાઈ જવાની શક્યતા રહે છે.

(5) યોગ્ય સમય નો અભાવ : કેટલીક વાર માહિતીને આધારે નિર્ણય લેવાનો હોય છે અને માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે. માહિતી જો સમયસર ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી અને માહિતી સંચારની અસરકારકતા ઘટે છે.

(6) માહિતી નુ અતિ ભારણ : મોટા એકમોમાં માહિતીની સતત અને અવિરત આપ-લે થતી રહે છે. આમા કર્મચારી માહિતીની ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવાને પ્રાધાન્ય આપે છે. .

(7) સંદેશા પ્રત્યે દુર્લક્ષ : કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે છે. 

(8) અયોગ્ય માધ્યમની પસંદગી : માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. પરંતુ આવા માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન થઈ હોય તો માહિતી સંચારમાં અવરોધો ઊભા થાય છે.

(9) અવિશ્વાસ અને ડર : જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડરનુ વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દૃષ્ટિએ જોવામાં આવે છે. 

માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ઉપાયો 

(1) માહિતી, અવરોધાય નહિ તે રીતે વ્યવસ્થાતંત્ર ના માળખાને અનુરૂપ માહિતી સંચારના તંત્રને ગોઠવવું જોઈએ.

(2) માહિતી આપનાર જે માહિતી આપે તે સ્પષ્ટ હોવી જોઈએ જેથી માહિતી મેળવનાર સારી રીતે સમજી શકે.

(3) માહિતી પ્રચાર ના જુદાં જુદાં માધ્યમો ની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય માધ્યમ ની પસંદગી થવી જોઈએ.

(4) માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.

(5) માહિતી સંચાર માં બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકાર ની ભાવના આવશ્યક છે.

(6) માહિતી સંચાર વ્યવસ્થા ઝડપી હોવા જોઈએ

(7) માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ.
(8)  બિનજરૂરી માહિતી નું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો ઉપર ભારણ વધારે છે તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ.

(8) માહિતી સંચાર ની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનુ અંગત હિત કે સ્વાર્થ ન હોવો જોઈએ. દા.ત., માહિતી આપનાર અમુક માહિતી છુપાવે કે જાણી જોઈને અધૂરી આપે કે વિકૃત રીતે રજૂ કરે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here