Home Education Online Essay Writing Bhrashtachar essay in gujarati-ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી દુષણ

Bhrashtachar essay in gujarati-ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી દુષણ

1
2006
Bhrashtachar essay in gujarati-ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી દુષણ

                 

                  ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી દુષણ .

આજે અત્ર  તત્ર સર્વત્ર ભ્રષ્ટાચાર નો ભોરિંગ સૌને સતાવી રહ્યો છે. ભારતનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં ભ્રષ્ટાચાર નું વરવું સ્વરૂપ પ્રગટ  થતું ન હોય. રાષ્ટ્રના 95 ટકા લોકો ભ્રષ્ટાચાર નો વ્યવહાર સમજવા લાગ્યા છે.

વર્ષો વીતી ગયાં છે એ વાતને !   નવનિર્માણનું આંદોલન થયું હતું જેના પેટાળમાં ભ્રષ્ટાચાર સામેનો પુણ્ય પ્રકોપ પ્રજ્વલિત  થયો હતો. ભ્રષ્ટ અને અધમ આચરણ નો અખાડો છે આજનું રાજકારણ.

રાજકારણ ના પડદા પાછળ ખેલાય  છે અનેક અપકૃત્યો અને અધમ લીલાઓનું તાંડવ. સંસારના સર્વ ક્ષેત્રોમાંથી સાદાઈ ,સરળતા અને પ્રમાણિકતા મરી પરવાળી છે .

નિરાડંબર,નિદૅભ,  અને વંદનીય રિતિમાં  કોઈને રસ નથી રહ્યો. સૌ ખાવામાં લાંચ લેવામાં પડ્યા છે. પોતે પાછળ રહી જશે અને બીજા આગળ નીકળી જશે એવી હોડમાં સો વધુ ખાઉધરા બનતા જાય છે.

આ પ્રશ્ન ત્યારે ઊભો થાય છે જ્યારે વડીલોના આચાર અને વિચાર વચ્ચે વિભેદ જોવા મળે, કહેવાતા મહાન પુરુષો ઉપદેશ આપે સદાચારનો અને આચરણ કરે દુરાચાર નું  ,વાત ધર્મની કરીવી ને આચરણ કરવું અધર્મનું , વાત નીતિમુલ્યોની કરવી ને આચરણ કરવું અનૈતિક , હાથીના દાંતન જેવી એમની જીવનલીલા હોય છે.

 મોટેરાઓને દુરાચાર સામે  યુવાનો લાલ આંખ બતાવવા માંગે છે. પાખંડ અને દંભના પડદા ચીરી ને મોટેરાઓને ઉઘાડા પાડવા નવી પેઢી ઉત્સુક બની રહી છે, સદાચારનો વિરોધી શબ્દ ભ્રષ્ટાચાર ,દુરાચાર છે.

સમાજ કે રાષ્ટ્રની સાચી પ્રતિષ્ઠા શિષ્ટ વર્તનને આધારે મુલવાય હોય છે. નૈતિક મૂલ્યોને  નેવે મૂકીને સ્વાર્થવશ દુરાચાર ન આચરે તેવા લોકો રાષ્ટ્રને અવનીતિ તરફ ધકેલે છે .ભ્રષ્ટાચાર એ અસદપ્રવૃત્તિ છે. અસદપ્રવૃત્તિ  એ રાષ્ટ્રનું દૈત્ય હોય છે. ભ્રષ્ટાચાર રાષ્ટ્રહૃદય ને લકવાગ્રસ્ત બનાવી મૂકે છે.

ભ્રષ્ટાચાર કરનાર લોકો ભ્રષ્ટાચાર કરીને પણ ખુલ્લેઆમ ફરતા હોય છે. ચૂંટણી લડી શકે છે.  લોકોના રૂપિયે તાગડધિન્ના કરી શકે છે. આર્થિક સંપતિના બળના લીધે આવા ભ્રષ્ટાચાર ઓ ખુનામરકી ,લૂંટ ,અપહરણ, કાવાદાવા, બળાત્કાર,  કાળાબજાર ,સંગ્રહખોરી, ભેળસેળ , ખંડણી વસુલવી ભય ફેલાવવો , ધાકધમકી આપવી વગેરે જેવા અનેક પ્રકારના અધમ કૃત્યો કરતા હોય છે.

 જે સામાન્ય પ્રજાના રૂપિયાથી પોતાનું અને પોતાના પરિવારનો સારું કરી લેતા હોય છે. તેમણે દેશ અને દેશબાંધવોની કંઈ જ પડ્યો તે નથી. તેઓ પોતાના લાભ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે .

થોડા સમય પહેલાં જ ઓઇલ માફિયાઓએ યશવંત સોનવણે  નામના એડિશનલ કલેક્ટરને ભરબજારમાં જીવતા બાળી મૂક્યા હતા. તેમના દોષ એટલો જ હતો કે તેમને ઓઇલ માફિયાઓને ભેળસેળ કરતા રંગે હાથે પકડી લીધા હતા અને તેમનો ફોટો પાડી લીધો હતો .અને આવા લોકોનું કોઈ કશું જ બગાડી શકતું નથી. તેથી તો કોઈ કવિએ કહ્યું છે કે,

“ન્યાય, નીતિ સૌ‌ ગરીબને ,મોટાને સહુ માફ,

 વાઘે માર્યું માનવી, એમાં શો ઈન્સાફ”

જેઓ બોલે છે કંઈક ને  કરે છે કંઈક એવા સત્તાલાલચુ નેતાઓએ ચૂંટણીના નામે ,સેવાના  બહાને અને સત્તાના જોરે ભ્રષ્ટાચાર ચોમેર પ્રસરાવી દીધો છે. આખરે આ બધો ભ્રષ્ટાચાર સરકારની આંખમાં ધૂળ નાખીને થઇ  રહ્યો છે કે સરકારની રહેમ નજર હેઠળ ફેલાઈ રહ્યો છે?

આવું જોવાની પણ કોને પડી છે ? અને કઈ દિશામાં જઈ રહ્યો છે? એની ચિંતા છે કોઈને? મહાત્મા ગાંધીજીએ પોતાની જાત ઘસી નાખી ને જે કઈ શીખવ્યું છે  તે આપણે છ દાયકામાં ધોઈ નાખ્યું! ‘ ન જોઈએ આ ભ્રષ્ટાચાર! ” ભ્રષ્ટાચાર મુર્દાબાદ! શિષ્ટાચાર ઝિંદાબાદ’ હું એક એક ભ્રષ્ટાચારી ને ઉઘાડા પાડિશ !” આવું બોલવાની હિંમત આજે  કોઈનામાં છે ખરી?

ભ્રષ્ટાચાર ફેલાવાના ઘણા કારણો છે. મનુષ્યે  આજે નીતિમત્તા ,કર્તવ્ય પરાયણતા , પ્રમાણિકતા નિષ્ઠા ,સેવા સમર્પણ, ત્યાગ જેવા ગુણો નેવે મૂકી દીધા છે. આજનો માનવી ઓછી મહેનતે વધુ પૈસા મેળવવા ઈચ્છે  છે .

સૌને આજે કરોડપતિ થવું છે !સૌને આજે ભૌતિક સમૃદ્ધિ મેળવવી  છે, સૌને મોટા બનવું છે માનવી ને સંતોષ રહ્યો નથી. ભૌતિક વાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે.

સરકારી તંત્રની સડો રાષ્ટ્રની કરોડરજ્જુનો કચરો કરી નાખશે. અહીં ભ્રષ્ટાચારની   બદી વ્યાપક અને ચિંતાજનક છે. ફાઇલોના ઢગલા,લાંચ વિના ફાઈલ આગળ જ ન ચાલે .

કામચોરી એ  સરકારી કર્મચારીઓનો આત્મા બની ગઈ છે. કોઈ કામ ઉકેલાતું નથી અને મોટા પગારોની  માગણી કરે છે. સરકારી ભ્રષ્ટાચાર દૂર થયા વિના રાષ્ટ્રની ઉન્નતિ નથી.

વેપારી વર્ગને તો  દેશદાઝ જાણે છે જ નહીં! ધનને ઉસેટવામાં તેઓ ભ્રષ્ટ બની ગયા છે . ભાવવધારો તેમનો ઈજારો બની ગયો  છે .કાળાબજાર, કૃત્રિમ ભાવવધારા, કૃત્રિમ અછત ભેળસેળ વેપારીઓને મન રમત છે . સદાચાર નો દંભ કરતો શેઠ માત્રા વિનાનો શઠ છે

પોલીસ તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. કાયદો-વ્યવસ્થા અને પ્રજાના રક્ષક પોલીસ આજે ભક્ષક  બની ગયા છે .હપ્તા ઉઘરાવવા, જુગાર ,દારૂના અડ્ડાઓ તરફ આંખ મિચામણા કરવા, કેસ હોય તો લાંચ લેવી –  આ સૌ‌ પોલીસ તંત્રને કોઠે  પડી ગયું છે.કાનૂન રક્ષકો  જો કાયદા ભક્ષકો બને તો કોની સામે રાવ નાંખવી?

શિક્ષણ ક્ષેત્રે પેપરો  ફુટવા , વધારે ગુણાંક માટે લાંચ આપવી , સપ્લીમેન્ટ્રી  બદલી નાખવી, એકની જગ્યાએ બીજાને પરીક્ષામાં બેસાડવો આ બધા અનિષ્ટો છે . ભ્રષ્ટાચારની સામે  થનાર શિક્ષકો જ સદાચારને નેવે મુકે તો શું કહેવું?

અહીં  તો સાંદિપની જ દુર્યોધન બનીને  લહેર કરે છે. મુખ્ય પ્રધાનનો પુત્ર કે ગવર્નરના સંતાનો  શિક્ષણના ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા હોય છે.

” बरबादे गुलिस्तां करने को ,सिर्फ एक ही उल्लू काफी हैं ,

  हर शाख पर उल्लू बैठे हैं, अंजामें  गुलिस्तां क्या होगा।”

ભ્રષ્ટાચાર હટાવવા માટેનો ઉપાયો ની ચર્ચા શરૂ થઇ જાય છે. જાત જાતના કિમિયા બતાવાય  છે, પણ અંતે અમલના નામે મીંડુ રહે છે. ભ્રષ્ટાચાર હટાવવો અઘરો નથી પણ હટાવવાવનુ કામ જેમના શીરે છે તે પોતે જ ભ્રષ્ટ  હોય છે. કયો નેતા કે અધિકારી પોતાના પગ પર જ કુહાડી મારશે

કોણ પોતાની જ  આવક બંધ કરશે ? ભ્રષ્ટાચાર હટાવવાના ઉપાય તરીકે આદર્શ વાદીઓ સલાહ આપશે કે પ્રત્યેક નાગરિક જો ભ્રષ્ટાચાર થી દૂર રહેવાનું પ્રણ લે  તો ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય .

નાગરિક બિચારો  આવું કરી શકે એવી સ્થિતિમાં છે ખરો ?તેને પણ શાંતિથી જીવવું  છે. તે નોટ ન પકડાવે ત્યાં સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ નથી મળતું ,મકાનના પ્લાન પાસ થતાં નથી, નળનું કનેક્શન નથી મળતું.

અને  બીજી બાબત, જે લોકોને વ્યવહારુ લાગે છે, એ છે કે લાખ રૂપિયાનું કામ સમયસર અને સારી રીતે કરાવવા માટે  દસ હજાર રૂપિયા બાળવા પડે તો બા. તેના માટે લડીને લોહી ઉકાળા કરવા , ઓફિસના પગથિયાં ઘસવા,લખાપટ્ટી કરવી એ બધી ઝંઝટ કરતાં ચાંપી દોને  રૂપિયા.

ભારતના આજ થઈ રહ્યું છે. પ્રજા વ્યવહાર માનીને લાંચ આપે છે. અને એટલે જ ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવો મુશ્કેલ થઈ ગયો છે. ચાણકય એ અર્થશાસ્ત્રમા લખ્યું છે કે ,

‘જેમ તળાવમાં રહેલી માછલી  કેટલું પાણી પીવે છે એ જાણી શકાતું નથી તેમ વહીવટ ચલાવનારા વ્યક્તિ કેટલી ઉચાપત કરે છે તે જાણી શકાતું નથી.’ અહીં તંત્રમાં એટલા બધા છીંડા  છે કે તેને થીગડા મારવાથી કશું વળે તેમ નથી.

ધર્મની ધજા હેઠળ ,ગાંધીની પવિત્ર ખાદીના નેજા નીચે કે સાદાઈના લિબાસમાં ભ્રષ્ટાચાર સર્વત્ર ફૂલીફાલી રહ્યો છે .ભ્રષ્ટાચારના કેન્દ્રમાં અર્થકેન્દ્રી સમાજ છે. સદાચારનો  એક નાનકડો દીવો સમાજના અંધારા ને રોકી શકે .

સૌ કમૅઠ બને તો જ આ અનાચાર ને નાથી  શકાશે પ્રમાણિક પુરુષાર્થ દ્વારા, મહિલાઓની મશ્કરી  એ તો આપણો ગૃહ ઉદ્યોગ છે .પુત્રવધૂઓને જલાવી દેવાની કે પરાણે સતી બનાવી દેવાની  તો આપણો કુટીર ઉદ્યોગ છે.

અંગ્રેજો  તો ગયા પણ અંગ્રેજોનાયે બાપ  કહેવાય એવા ખતરનાક ભ્રષ્ટાચારીઓ  ખાદીના કે ખેસ ઉપર ગરીબ રૈયત માં ઘૂમવા  માંડ્યા છે. અખબારો તારસ્વરે ક્ષણે ક્ષણે આ જંગલી વરુઓના નામ ,સરનામા સાથે

 એમના કૌભાંડો અને લીલાઓની  કથાઓ બોલ્ડ ટાઈપ માં છાપે છે.

છતાં સમાજથી  જાણે સુન્નત થઈ ગઈ હોય એમ સૌ આ માનવભક્ષી ઓલાદના ઓવારણા  લેવામાં પડ્યા છે. દેશને ચૂસાનારા , રંજાડનાર તથા  શિયળ ઉપર હુમલો કરનારા ડાકુઓની ટોળી છાતી ઉપર ચડી બેસે છે.

ભ્રષ્ટાચાર ના રાષ્ટ્રવ્યાપી કેન્સર થી રાષ્ટ્રોને  બચાવવું અઘરું જણાય છે પણ અશક્ય તો નથી જ. આપણી પણ એ સમજી લેવું જોઈએ કે લાંચ લેવી એ જ માત્ર ગુનો નથી,  લાંચ આપવી એ પણ ગુનો છે. ભ્રષ્ટાચારની ભયાનકતા ને જોતા અંતે મને લોકનાયક જયપ્રકાશ નારાયણ ના શબ્દો યાદ આવે છે.–

“ભ્રષ્ટાચારના દાનવને ખતમ કર્યા વિના કોઈપણ વિકાસ યોજના પાર પાડી શકાય નહીં અને કોઈ પણ પ્રશ્નનો અસરકારક ઉકેલ આવી શકે  નહીં.જ્યાં સુધી રાષ્ટ્રના માથા પરનું કલંક કાયમ છે .ત્યાં સુધી ભ્રષ્ટાચાર નો આ દાનવ જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાતો જવાનો , વિકાસના સફળ તો અ હજમ કરશે જ ; પણ છેવટ જતા લોકશાહી, આઝાદી , ક્રાંતિના તમામ લાભ અને જેને માટે આપણે ઝુઝ્યા હતા તે જીવનમૂલ્યો એ બધું એના ઉદરમાં સમાઈ જશે.”

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here