પાઠ–6 બેરોજગારી

0
876
CLASS 12 ECONOMICS

પ્રસ્તાવના:

વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

આ સમસ્યાઓએ વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાની રીતે સતત પ્રયત્નશીલ હોવા છતાં, પણ આ સમસ્યા નું પૂર્ણ નિરાકરણ થયું નથી તે એક વાસ્તવિકતા છે. 

બેરોજગારીનો અર્થ:

સામાન્ય રીતે બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની  કામ વગર ની સ્થિતિ.

પિગુ ના મતે બેરોજગારી એટલે”કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી.”

ટૂંકમાં,  બેરોજગારી   એટલે કે “પ્રવર્તમાન વેતનદરે વ્યક્તિની કામ  ક૨વાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ  કહેવાય .”


બેરોજગારીનો ઉપર્યુક્ત અર્થ મુજબ  પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ  કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને  “અનૈછિક બેરોજગારો”કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી  કહેવાય છે.

 

તેથી જ રીતે જો વ્યક્તિ કામ ક૨વાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય. આવા વ્યક્તિને “સ્વૈચ્છિક બેરોજગાર”ગણી શકાય.

આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહિ.આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની  સમસ્યા નથી.

બેરોજગારી નો ખ્યાલ સક્રિય શ્રમ પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં  આવે છે.

સક્રિય શ્રમના પુરવઠા માં સામાન્ય રીતે 15થી 64 વર્ષની વયજૂથ માં હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે.

ભારતમાં બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નથી પણ તે સામાજિક, નૈતિક અને  રાજકીય ક્ષેત્રે સમસ્યા ઊભી કરી શકે છે.


બેરોજગારીના પ્રકારો :

બેરોજગારીનું સ્વરૂપ પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશો માં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ વિભિન્ન હોઇ શકે છે.

વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણ જન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે  છે. જેને અસ૨કા૨ક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે.

 ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે અને તે લાંબા ગાળા માટેની હોય  છે. 

બેરોજગારીનું  સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે શ્રી  રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 એ નીચેના ચાર માપદંડો રજૂ કર્યા છે.

(1) સમય : જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય, પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે  તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. 

(2) આવક :  વ્યક્તિને કામમાંથી  એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી  દૂર ન થઈ શકે તો તે આવકની દષ્ટિએ બેરોજગાર ગણાય છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.

(3) સંમતિ :

વ્યક્તિને જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાત વાળું  અન્ય પ્રકારનુ કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારના કામથી  તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધબેરોજગારી કહેવાય છે.

દા.ત., CA ની ડીગ્રી  મેળવેલ વ્યક્તિએ ક્લાર્ક  તરીકે કામ કરવું પડે.


(4) ઉત્પાદકતા :

શ્રમિક ની  વાસ્તવિક ઉત્પાદકતા જે  હોય તેના ક૨તા તે વ્યક્તિ કે હાલ ઓછી  ઉત્પાદકતા એ કામ કરતો હોય, તો ઉત્પાદન તેની  શક્તિ કે ઉત્પાદકતા કરતા ઓછું હશે.

દા.ત., કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. પણ તેને  દિવસ માં 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળતું હોય.


ઉપર્યુક્ત માપદંડ પ્રમાણે બેરોજગારી ના પ્રકાર આ પ્રમાણે પાડી શકાય.


સંપૂર્ણ બેરોજગારી:

અર્થ :

 • જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે  છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય.
 • સામાન્ય રીતે જે દેશમાં શ્રમ નો  પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણ ની પ્રક્રિયા પણ ઝડપી હોય  ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારી નો વૃદ્ધિ-દર ઉંચો જોવા મળે છે.
 • આ પ્રકારની બેરોજગારી ગામડા કરતાં શહેરોમાં વધુ જોવા મળે છે. જેમા મોટા ભાગના ખુલ્લા બેરોજગારો ગામડામાંથી શહેરોમાં કામની શોધમાં આવેલા વ્યક્તિઓ હોય છે.
 • સંપૂર્ણ બેરોજગારી નો ભોગ સામાન્ય રીતે શિક્ષિત અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ બનતા હોય છે.
 • સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વર્ષની વયજૂધની વ્યક્તિઓમાં વધું જોવા મળે છે.


સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી નો  આંક આધારભૂત રીતે મેળવવો મુશ્કેલ હોય  છે છતાં પણ તેને માપવાની ત્રણ પદ્ધતિ પ્રચલિત છે :

(1) રોજગાર વિનિમય કેન્દ્ર માં થયેલ નોંધણી દ્વારા

(2) શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા

(3) વસ્તી ગણતરીના આંકડા દ્વારા.


અર્ધ બેરોજગારી : વિભાગ C અને D-Most Imp

અર્થ :

શ્રમિકો તેમની  શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય એટલે કે ઓછા સમય માટે લાયકાત  ક૨તા ઓછી લાયકાત વાળું કાર્ય સ્વીકારવું પડે તેને અર્પબેરોજગાર કહેવાય.

 • શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય  તેના કરતા ઓછા કલાક કે દિવસનું કામ મળે તો તે અર્ધબેરોજગાર કહેવાય.
 • દા.ત., એક કારખાનામાં કે ખેતર માં શ્રમિકોને આઠ કલાક ને બદલે માત્ર પાંચ કલાક કામ મળતું હોય તો તે અર્ધબેરોજગાર કહેવાય.
 • આ અર્થ મુજબ ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતીક્ષેત્રે જોવા મળતી મોસમી બેરોજગારી પણ અર્ધબેરોજગારીનો જ એક પ્રકાર છે.
 • કારણ કે ખેતીક્ષેત્રે રોકાયેલ શ્રમિકને વાવણી અને લણણી (કાપણી)ની મોસમમાં જ કામ મળે છે. પણ બાકીના સમયમાં કામ વગર બેસી રહેવું પડે છે.
 • ભારતની ખેતી મોટા ભાગે વરસાદ આધારિત છે અને સિંચાઈ ની સગવડ મર્યાદિત હોવાથી ખેતીક્ષેત્ર આવી મોસમી સ્વરૂપની બેરોજગારી વિશેષ જોવા મળે છે.
 • તેવી જ રીતે કેટલીક શિક્ષિત વ્યક્તિને તેમની  લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ ના મળતા ઉતરતી કક્ષા નું કામ સ્વીકારવુ પડે છે તેને પણ અર્ધબેરોજગારી કહેવાય. 

દા.ત., કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ ને ગેરેજમાં નોકરી કરવી પડે.

પ્રચ્છન્ન બેરોજગારી: વિભાગ C અને D-Most Imp

પ્રચ્છન્ન બેરોજગારી એટલે છૂપી બેરોજગારી. આ પ્રકારની પ્રચ્છન્ન  બેરોજગારી ભારત જેવા વિકસતા દેશમાં સવિશેષ જોવા મળે છે.

અર્થ:

 • કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજી ના સંદર્ભ માં જરૂરી હોય  તેના કરતા વધુ શ્રમિકો રોકાયેલ હોય.આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તોપણ કુલ ઉત્પાદનમાં કોઈ  ફે૨ફા૨ ન થતો હોય, તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે.
 • એટલે કે, જો ઉત્પાદનના સાધનો  અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિ વસ્તી ધરાવતા વિકસિતા  દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે, તેમ કહી શકાય.
 • ઉપર્યુક્ત અર્થ મુજબ એમ કહી શકાય કે, ‘પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે.
 • ભારત દેશમાં ખેતી સિવાય ના અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માંગનારી વધારાની વસ્તીનું ખેતીક્ષેત્રે ભારણ  વધતું જાય છે.
 • આ વધારાના શ્રમિકોને ખેતીક્ષેત્રમાથી ખસેડી લેવામાં આવે તોપણ ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. આ વધારાના  શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી આ શ્રમિકોને  પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય.
 • શહેરોમાં પણ ઉધોગ અને વેપારક્ષેત્રે આવી પ્રચ્છન્ન બેરોજગારી  જોવા મળતી હોય છે.

દા.ત., ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી  પૂરી પાડી શકાય તેમ હોય.

પરંતુ અન્ય સ્થળે કામ મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આજ ખેતરમાં કામ માં જોડાય.

પણ તેમના જોડાવાથી  આ ખેતરના કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો ન હોય તો આ વધારાના 3 શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવાય.

આવા શ્રમિકો બેકાર દેખાતા નથી, પણ તેમની  સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તે પ્રચ્છન્ન બેરોજગાર ગણાય.

ચક્રીય બેરોજગારી:   વિભાગ C અને D-Most Imp

 • ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું  તો ક્યારેક મંદી નું મોજુ ફરી વળે છે. તેજીની  સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરે વધવાનું  વલણ હોય છે.
 • જયારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાની માંગમાં ઘટાડો થાય છે.
 • પરિણામે અસરકારક માંગના અભાવ ને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે અથવા ઉત્પાદનના એકમો બંધ કરવા પડે છે અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી છુટા  કરવામાં આવે છે.
 • આમ અહીં મંદી બેરોજગારીનું કારણ બને છે.તેથી આ બેરોજગારીને ચક્રીય બેરોજગારી કે મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે.
 • ઈ.સ. 1929-30 માં અમેરિકામાં આવેલ મહામંદી ની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી, તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે.
 • વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા, ઈંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાય છે.
 •  ભારતમાં હીરા ઉદ્યોગક્ષેત્રે ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી ઉદ્ભભવતી જોવા મળે છે.

ઘર્ષણજન્ય બેરોજગારી :

અર્થ :

 • જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં, ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના  ઉત્પાદનમાં ફે૨ફા૨ થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી  બેરોજગારીને ઘર્ષણ જન્ય બેરોજગારી તરીકે ઓળખવા માં આવે છે.
 • વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા  એકમોને આર્થિક રીતે નુકસાન જતાં કેટલાક એકમો બંધ પડે છે.
 • પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ના શીખે ત્યાં સુધી તેમને બેરોજગાર રહેવું પડે છે. નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી લે  છે. એટલે કે આ સ્વરૂપની બેરોજગારી   ટૂંકા ગાળા માટેની હોય છે.
 • દા.ત., સાદા મોબાઇલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા  સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ ક૨તા શ્રમિકોને રોજગારી મળતી બંધ થતા તેઓ બેરોજગાર બને છે.આ સ્વરૂપ ની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી ગણાય.


બેરોજગારી ઉદ્દભવવાના કારણો:  (કોઇપણ પાંચ મુદા સારી રીતે કરવા જેમા મુદા નંબર 3,5,8 તો ખાસ કરવા) 

ભારતમાં બેરોજગારીના  પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઓર્ગેનાઇઝેશન (C.S.O,) નેશનલ  સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે.

તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ ભગવતી  સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવ્યા છે.

ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈ.સ 1951 થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે.


ભારતમાં બેરોજગારીની  સમસ્યા ઉદ્ભવવાના કેટલાક મુખ્ય કા૨ણો તપાસીએ

(1) વસ્તી વૃદ્ધિ નો ઊંચો દર :

 • ભારતમાં વસ્તીવૃદ્ધિ નો દર નીચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. તેથી  શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય છે
 • એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિ વર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે.જે ઓસ્ટ્રેલિયા દેશ ની વસ્તી થી પણ વધારે છે
 • આમ, ઊંચા દરે વધતી વસ્તી સામે દેશમાં રોજગારી આપવાના સાધનો અપૂરતા  હોય ત્યાં બેરોજગારીમાં વધારો થાય તે સ્વાભાવિક છે. 

(2) રોજગારીની તકો માં ધીમો વધારો :

 • રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે.
 • આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પુરતી તકોનું સર્જન કરવામા નિષ્ફળતા મળી છે, જે એ દર્શાવે છે કે ભારતનો ‘‘આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે.”
 • ભારતમાં આયોજન ના પ્રથમ ત્રણ દશકામાં સરેરાશ લગભગ 3.5 ટકાના દરે આર્થિક વિકાસ હાંસલ કરી  શકાયો હતો. જે દર વધીને દસમી યોજનામાં 7.6 % અને અગિયારમી યોજનામાં 7.8 % થયો હોવા છતાં યોજનાના અંતે બેરોજગારોની સંખ્યા વધતી ગઈ છે. 

(3) બચત અને મૂડીરોકાણનો  નીચો દર :

 • ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ  સાથે સાથે વસ્તિવૃદ્ધી નો દર પણ ઉંચો જોવા મળ્યો છે. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય  આવકના પ્રમાણ માં નીચા દરે વધારો થાય છે.
 • નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણ નો  દર નીચો રહે છે.
 • મૂડીરોકાણ દર નીચો હોવાથી ઉધોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પુરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઉભી કરી શકાતી ના હોવાથી બેરોજગારીની સમસ્યામાં  વધારો થાય છે.


(4) મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ :

 • ભારતમાં મૂડીની  અને શ્રમની છત છે. આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા  શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ ગણાય.
 • પરંતુ રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યના  જાહેર ક્ષેત્રોમાં પણ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ નો ઉપયોગ વધતો જાય છે. પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઈ છે.
 • તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલ વેકંટરામન સમિતિ  અને ભગવતી સમિતિ એ પણ ભારતમાં વધારે પડતા યાત્રીકરણનો વિરોધ કર્યો હતો.


(5) વસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ 🙁ખામી યુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે સમજાવો) 

વિભાગ C અને D-Most Imp

 • ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે.
 • દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિ ને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ નથી.
 • આર્થિક વિકાસના  દર ને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગક્ષેત્ર, ખેતીક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રીકરણ અપનાવવામાં આવ્યું છે.
 • તેના કારણે આ પદ્ધતિ ને અનુરૂપ કેળવાયેલ, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકો ની જરૂર પડે છે.
 • પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે.પરિણામે એવા કુશળ શ્રમિકો મળતા નથી. કારણકે શિક્ષણક્ષેત્રે  વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. 
 • વર્તમાન શિક્ષણ  માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે.તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેટલી પણ તેમનામાં  ક્ષમતા આવતી નથી અને રોજગારીની સમસ્યાનો ભોગ બને છે.


 (6) માનવ શક્તિના  આયોજનનો અભાવ:

 • ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવશકિતનું પોગ્ય આયોજન થયું નથી.દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના  શ્રમ ની માંગ થાય છે, તે સંદર્ભ માં પૂરતા યોગ્ય  શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિ નું આયોજન કરવા માટેની શિક્ષણ -વ્યવસ્થા ઊભી થઈ નથી.
 •  કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને  કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટરો અને એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ના મળતા વિદેશમાં જાય છે.
 • જેમ બ્રિટિશ શાસનમાં સોનાનો એક તરફી પ્રવાહ    ‘Drain of Gold’ ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળેલ, તેવી જ રીતે વર્તમાનમાં બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ ‘Drain of Brain’ ભારતમાંથી વિદેશ ત૨ફનો જોવા મળે છે.


(7) જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા :

 • આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતા જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયા નથી.
 • તેથી રોજગારીની તકો ઓછી ઊભી થઈ શકી અને બેરોજગારીમાં વધારો થયો.


(8) કૃષિક્ષેત્રના  વિકાસ ની અવગણના : વિભાગ C અને D-Most Imp

 • ભારત કૃષિપ્રધાન દેશ છે અને ભારતની મોટા ભાગની વસ્તી ગામડાંઓમા વસે છે.
 • આ વસ્તી મોટે ભાગે રોજગારી માટે કૃષિક્ષેત્ર પર આધાર રાખતી  હોય છે. તેથી કૃષિક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી છે.
 • પરંતુ ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે.
 • કૃષિક્ષેત્રમાં  આવેલ હરિયાળી ક્રાંતિ નો  લાભ પણ દેશમાં પંજાબ, હરિયાણા જેવાં અમુક રાજયોને જ થયો.
 • તેથી કૃષિક્ષેત્રે સાર્વત્રિક  રોજગારીની તકોમાં વધારો ના થઈ શક્યો. વધતી વસ્તીનું કૃષિક્ષેત્રન પર ભારણ , અપૂરતી સિંચાઈ ની સગવડ, કૃષિધીરાણની અપૂરતી સગવડ,વરસાદની અનિશ્ચિતા તેમજ કૃષિક્ષેત્રના અન્ય જોખમોને  કારણે ભારતમાં કૃષિક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી.
 • તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિનકૃષિક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે, તેથી ખાસ કરીને કૃષિક્ષેત્ર પર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

(9) શ્રમની ઓછી ગતિશીલતા : 

 • કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાના કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે.
 • ભારતમાં  કયારેક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહનવ્યવહાર ની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવા કારણોસર શ્રમની ગતિશિલતા માં અવરોધ સર્જાય છે, જેને કારણે બેરોજગારીની સમસ્યાઓ વધે છે.
 • શહેરી જીવનના આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. 


(10) અપૂરતી માળખાકીય સુવિધા ;

 • ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે.
 • ગામડામાં  અપૂરતી વાહન વ્યવહારની સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી.

 

બેરોજગારી ઘટાડવાના ઉપાયો: (કોઇપણ પાંચ મુદા સારી રીતે કરવા જેમા મુદા નંબર 7 તો ખાસ કરવો) 

ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને કારણો વિશેના અભ્યાસ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, ભારતમાં  બેરોજગારી સમસ્યા દિન-પ્રતિદિન વધુ ને વધુ ચિંતાજનક બનતી જાય છે.

બેરોજગારીનો  પ્રશ્ન એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી; તે સામાજિક, નૈતિક અને માનસશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા કરે છે. રાજકીય દૃષ્ટિએ પણ આ પ્રશ્ન ચિંતાજનક  છે.

ભારતમાં  બેરોજગારીની સમસ્યા હળવી  કરવા નીચે પ્રમાણે ના ઉપાયો યોજી શકાય.

(1) વસ્તી નિયંત્રણ :

 • ભારતમાં ઉંચા દરે  વધતી વસ્તીએ બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં અને સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે.
 • તેથી જો ભારતમાં બેરોજગારીની  સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટેનાં અસ૨કા૨ક પગલાઓ ભરવા જોઈએ. આમ કરવાથી દેશની વસ્તીવૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના પુરવઠામાં થતો વધારો મંદ પડશે.

(2) આર્થિક વિકાસ નો દર ઊંચો લઈ જવો :

 • દેશના આર્થિક  વિકાસ દર ને ઊંચો લઈ જઈને બેરોજગારીની  સમસ્યા હલ કરવી એ એક સાચો રચનાત્મક ઉપાય છે.
 • ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનના શરૂઆતનાં વર્ષમાં 3 થી 3.5 % જેટલો નીચે  રહેવા પામ્યો હતો.
 • જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે, તો રોજગારી ની તકો માં ઘણા ઊંચા દરે વધારો શક્ય બને અને બેરોજગારીની સમસ્યા હળવી  બને.
 • આ માટે દેશના અર્થતંત્ર માં જુદા-જુદા વિભાગો વચ્ચે સંકલન કરીને જાહેર ખાનગી, સરકારી કે અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

(3) રોજગારલક્ષી આયોજન :

આયોજન કાળ દરમિયાન  ભારતમાં વિકાસને જ મહત્ત્વ અપાયું હોય તેવું જોવા મળે છે.

જેમ કે બીજી પંચવર્ષીય  યોજનાથી જાહેર ક્ષેત્રના વિકાસ અને પ્રાધાન્ય આપીને પાયાના ચાવીરૂપ મૂડી પ્રધાન  ઉઘોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું છે.

દેશમા ઔધૌગીકરણનો પાયો મજબૂત કરવા માટે આ જરૂરી હતું. પરંતુ વર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન અપનાવવાની તાતી જરૂર છે.

(4) રોજગારલક્ષી શિક્ષણ :

 • ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું  બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે.
 • વર્તમાન શિક્ષણ પદ્ધતિ  એ કારકુનો તૈયાર કરતું પુસ્તકિય જ્ઞાન આપતી જ એક શિક્ષણ વ્યવસ્થા છે.
 • પરિણામે  વિનિમય અને વાણિજયના સ્નાતક થયા પછી પણ વ્યક્તિ માં સ્વયં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી . તેથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે.
 • આ પરિસ્થિતિમાં સુધારો થાય તે હેતુથી વર્તમાન વેપાર, વાણિજ્ય,ઉઘોગો, ખેતી અને અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસાય લક્ષી શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા છે.
 • આ માટે હાલની શિક્ષણ પદ્ધતિ ના માળખામાં ધરખમ  પરિવર્તનની જરૂર છે.
 • ઈ.સ. 2015 ની નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ દ્વારા રોજગારી સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ  સાધવાનો ઉત્પાદકીય શિક્ષણ નો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

(5) ગૃહ અને નાના પાયાના ઉધોગોનો વિકાસ :

 • ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો ઓછા મૂડીરોકાણ દ્વારા  વધુ રોજગારી અપાવવાની ક્ષમતા ધરાવે છે.
 • કારણ કે નાના ઉદ્યોગો માં એક વ્યક્તિને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગની સરખામણીમાં ખૂબ જે ઓછા  મૂડીરોકાણ ની આવશ્યકતા હોય છે.
 • તેથી આ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ કરીને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય તેમ છે. 

(6) આંતર માળખાકીય સેવાનો વિસ્તાર:

 • ભારતમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન ઓછું રહેવા માટેનું એક જવાબદાર પરિબળ ગ્રામ્ય વિસ્તાર માં અપૂરતી માળખાકીય સુવિધા પણ છે.
 • તેથી રાજ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, સડક, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર જેવ આંતર માળખાકીય સુવિધાઓ વધારવામાં આવે તો સ્થાનિક સાધનોની  ની મદદથી પોતાના રહેઠાણથી નજીક રોજગારી મેળવવાનું શક્ય બનશે.

(7) કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ નો વેગ અને વિસ્તાર:

વિભાગ C અને D-Most Imp

 • દેશમાં ઊંચા વસ્તીવૃદ્ધિદરને કારણે રોજગારી માટે કૃષિક્ષેત્રે વસ્તીનું  ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી તેમજ અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઈની સગવડ ને કારણે મોસમી બેકારીની  સમસ્યા વધતી ગઈ છે.
 • આ સમસ્યાને હલ કરી કૃષિક્ષેત્ર પર ભારરૂપ વસ્તી ને રોજગારી માટે અન્ય ક્ષેત્રોમાં ખસેડી શકાય તેવી  ક્ષમતા હજી સુધી પ્રાપ્ત થઈ શકી નથી.
 • તેથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિક્ષેત્રે રોકાયેલ લોકોની બેકારીની સમસ્યા હળવી કરવા માટે હરિયાળી ક્રાંતિ ને વેગ આપવાની  અને તેનો વધુ ને વધુ વિસ્તાર કરવાના વિશેષ પ્રયાસો કરવા જોઈએ અને રોજગારીની તકો વધારવી જોઈએ.
 • જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં કૃષિક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવા માટે સૌથી વધારે અવકાશ છે.

આ વાતને પી. સી. મહાલનોબિસે કરેલ રોજગારીની તકોની ગણતરીના અંદાજ થી સમર્થન મળે છે.

 • જેમ કે તેમના મત મુજબ ભારતમાં કૃષિક્ષેત્રે  1 કરોડનું મૂડી રોકાણ કરવાથી 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 5.7 ટકાના દરે વધારો કરી શકાય છે.
 • જ્યારે મોટા ઉદ્યોગોમાં  1 કરોડનું મૂડીરોકાણ કરવાથી માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 1.4 % દરે જ વધારો કરી શકાય છે. 
 • આ અંદાજ પરથી કહી શકાય કે, કૃષિક્ષેત્ર ઉદ્યોગક્ષેત્ર કરતાં વધુ રોજગારી ની તકો સર્જાવા માટે વધુ અનુકૂળ છે.
 • ડો.એમ. એસ. સ્વામીનાથનના મત મુજબ કૃષિક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવામાં આવે, તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય તેમ છે.


બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજયની યોજનાઓ 

 • ઈ.સ 1951 થી દેશમાં આયોજનની શરૂઆત કરવામાં આવી ત્યારે એવું વિચારવામાં આવેલ કે,આયોજનબદ્ધ પગલાંને કારણે દેશનો આર્થિક વિકાસ શક્ય બનતા બેરોજગારીની  સમસ્યા હલ કરી શકાશે.
 • પરંતુ શરૂઆતની ચાર પંચવર્ષીય યોજનામાં આ ખ્યાલ ખોટો સાબિત થયો. 
 • પરિણામ સ્વરૂપ પાચમી યોજનાથી બેરોજગારીની સમસ્યા નિવારવાના ઉદેશને સફળ બનાવવા રાજ્ય દ્વારા વિવિધ રોજગાર લક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા.

 જેવા કે સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ, કામના બદલામાં અનાજ, જવાહર  રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ શહેર રોજગાર યોજના ,ગ્રામીણ  યુવકને સ્વ રોજગારી માટે તાલીમ આપતો કાર્યક્રમ, નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટીનો કાર્ય ક્રમે, મનરેગા, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, શ્રમેય જયતે યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા તેમજ મુદ્રા જેવી અનેક રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી.

જેમાંની કેટલીક યોજનાઓ નીચે પ્રમાણે હતી.

(1) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો (MGNREGA):

 • ફેબ્રુઆરી 2006 માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો (NREGA) કે જેમાં દેશના પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો.
 • આ નરેગા યોજનાનું નામ 2 ઓક્ટોબર, 2009 થી બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ (MGNREGA) મનરેગા કરવામાં આવ્યું.
 • આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકાર 2 ફેબ્રુઆરી ના દિવસને “રોજગાર દિવસ ” તરીકે જાહેર કર્યો છે. 
 • આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.
 • જેમાં ⅓ ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યુનતમ વેતન  આપવાની જોગવાઈ કરવામાં આવી છે. 
 • તેમજ શ્રમિક ને તેનું મહેનતાણું સાત દિવસમા આપી દેવામાં  આવે છે,શ્રમિક નેં તેના નિવાસસ્થાનેથી 5 કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે.
 • જો શ્રમિકને આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો તેને 10 % વધારે મજુરી આપવામાં આવે છે. આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબકાર્ડ આપવામાં આવે છે.જે પાંચ વર્ષના સમય માટેનું હોય  છે.
 • જોબકાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થુ આપવાની જોગવાઈ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે.


(2) પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના (PDUSJY) : 

 • આ યોજના 16 ઓક્ટોબર,2014 થી શરૂ કરવામાં આવી છે.
 • જેનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય  અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે.
 • તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો હેતું પણ આ યોજનામાં રાખવામાં આવ્યો છે.


(3) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના (DUGJY) : 

અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી. જેનો મુખ્ય ઉદેશ ગ્રામ્ય વિસ્તારમાં 24 x 7 સતત વીજળીની સેવા  ઉપલબ્ધ કરવાનો છે.

(4) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ( DUGKY)

આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર,2014થી કરવામાં આવી. જેનો મુખ્ય ઉદ્દેશ 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો છે.

(5) પ્રધામંત્રી  કૃષિ સિંચાઈ યોજના : 

આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ, 2015થી કરવામાં આવી.

“હર  ખેત કો પાની” એ સૂત્ર ને સાર્થક કરવાના ઉદેશથી ખેત-ઉત્પાદકતા વધારવા અને દેશનાં ઉપલબ્ધ  સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઇ શકે તે પ્રમાણે કૃષિક્ષેત્ર માટે સિંચાઈ યોજનાઓનું આયોજન કરવાનું લક્ષ્ય  આ કાર્યક્રમમાં રાખવામાં  આવ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here