Site icon 1clickchangelife

Gujarati motivational story

Gujarati motivational story
Gujarati motivational story



*’અનોખી પરીક્ષા’*

‘બેટા… થોડું ખાઇને જા…! બે દિવસથી તે કાંઇ ખાધું નથી…!’ માં લાચાર શબ્દોમાં મોહનને સમજાવતી રહી.

‘જો મમ્મી… મેં મારી બોર્ડની પરીક્ષા પછી વેકેશનમાં માત્ર સેકેન્ડ હેન્ડ બાઇક જ માંગેલું.. અને પપ્પાએ પ્રોમિસ પણ કરેલું… આજે મારું પેપર પત્યા પછી દીદીને કહેજો કે સ્કુલની બહાર પૈસા લઇને આવે.. મારા ફ્રેન્ડનું જુનુ બાઇક આજે જ લેવાનું છે…. અને જો દીદી બહાર નહી આવે તો હું ઘરે પાછો નહી આવું…..!’ એક ગરીબ ઘરમાં મોહનની જીદ અને માંની લાચારી સામસામે ટકરાઇ રહી હતી.

‘બેટા.. તારા પપ્પા  તને બાઇક લઇ આપવાનાં જ હતા… પણ ગયા મહિને થયેલો એક્સિડન્ટ… અને…!’ મમ્મી કાંઇ આગળ બોલે તે પહેલા મોહન બોલ્યો, ‘એ હું કાંઇ ન જાણું… મારે બાઇક જોઇએ એટલે જોઇએ જ..!’
અને મોહન માંને ગરીબી અને લાચારીના મધદરીયે એકલી મુકીને બહાર નીકળી ગયો.

ધોરણ ૧૨બોર્ડની પરીક્ષાના એક સપ્તાહ પછી ભાગવદસર એક અનોખી પરીક્ષાનું આયોજન કરતાં. જો કે ભાગવદસર ગણિત વિષય ભણાવતા પરંતુ સાથે વિદ્યાર્થીઓને જીવનનું ગણિત પણ સમજાવતાં. વિવિધતાઓથી ભરેલી તેમની અનોખી પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ અચૂક આપે જ.

આ વર્ષે પરીક્ષાનો વિષય હતો.. ‘મારી પારિવારીક ભૂમિકા’

મોહન પરીક્ષા ખંડમાં આવીને બેસી ગયો અને તેને મનમાં ગાંઠ વાળી દીધેલી કે જો બાઇક નહી લઇ આપે તો ઘરે નહી જ જાઉં.

પેપર ક્લાસમાં વહેંચાઇ ગયું.. તેમાં દસ પ્રશ્નો હતા. તેના જવાબ લખવા માટે એક કલાકનો સમય હતો. મોહને પહેલો પ્રશ્ન વાંચ્યો અને જવાબ લખવાની શરુઆત કરી.

*પ્રશ્ન નં – ૧ તમારા ઘરમાં તમારા પિતાશ્રી, માતાશ્રી, બહેન, ભાઇ અને તમે પોતે કેટલા કલાક કામ કરો છો તે સવિસ્તાર જણાવો ?*

મોહને ખૂબ ઝડપથી લખવાનું શરુ કર્યુ.. પપ્પા સવારે છ વાગે રીક્ષા અને ટીફીન લઇને નીકળી પડે તો રાતે નવેક વાગે ઘરે આવે.. અને ક્યારેક રાતે પણ વરધીમાં જવું પડે એટલે દિવસના સરેરાશ પંદરેક કલાક.
મમ્મી તો ચાર વાગે ઉઠે.. ટીફીન તૈયાર કરે.. ઘરનું કામ કરે.. બપોરે સિલાઇનું કામ કરે… અને બધા સૂઇ જાય પછી જ તે સુએ એટલે સરેરાશ રોજ.. સોળેક કલાક..
મોટી બહેન સવારે કોલેજ જાય… સાંજે ૪ થી ૮ ચાર  કલાક નોકરી કરે.. રાત્રે મમ્મીને મદદ કરે અને અગિયાર વાગે સૂઇ જાય.. એટલે સરેરાશ.. બાર-તેર કલાક
અને હું… છ વાગે ઉઠું… બપોરે સ્કુલેથી આવી જમીને સૂઇ જવાનું… અને રાત્રે અગિયાર વાગ્યા સુધી વાંચવાનું.. એટલે સરેરાશ દસ કલાક…
મોહને જોયું તો ઘરમાં કામની સરાસરીમાં સૌથી છેલ્લો નંબર તેનો હતો.
પહેલો જવાબ લખ્યા પછી તેને બીજો સવાલ વાંચ્યો.

*પ્રશ્ન નં -૨ તમારા ઘરની મહિનાની કુલ આવક કેટલી..?*
જવાબ :  પપ્પાની અંદાજે દસેક હજાર.. સાથે મમ્મી અને બહેન મળીને ત્રણેક હજારનો ટેકો કરે એટલે કુલ તેર હજાર થાય.

*પ્રશ્ન નં – ૩ મોબાઇલ રીચાર્જ પ્લાન… ટીવીમાં આવતી મનપસંદ ત્રણ સિરિયલના નામ.. શહેરના એક થિયેટરનું એડ્રેસ.. હાલની લેટેસ્ટ મુવીનું એક નામ લખો.*

આ દરેકના જવાબ સહેલા હોવાથી મોહને એક મિનિટ કરતા ઓછા સમયમાં જવાબ લખી નાખ્યાં.  

*પ્રશ્ન નં- ૪  બટાટા અને ભીંડાની હાલની એક કિલોની કિંમત.. ઘઉં-ચોખા-તેલના એક કિલોના ભાવ..તમારા ઘરનો લોટ જ્યાં દળાય છે તે ઘંટીનું નામ-સરનામું લખો.*

મોહનને આ સવાલનો જવાબ ન આવડ્યો. મોહનને સમજાયું કે જે ખરેખર જીવનની રોજબરોજની ખૂબ જરુરિયાતવાળી ચીજો વિશે તો તેને લેશમાત્ર જ્ઞાન નથી. મમ્મી ઘણીવાર ઘરનું કામ બતાવે તો તરત ના કહી દેતો જેનું આજે ભાન થયું કે મોબાઇલનું રીચાર્જ કે મુવી જે જીવનમાં કોઇ ઉપયોગી નથી તે વિશે ખૂબ જ્ઞાન રાખીએ છીએ પણ ઘરની જવાબદારી લેવામાં પાછીપાની કરીએ છીએ.

*પ્રશ્ન નં – ૫ તમારા ઘરમાં તમે ભોજન બાબતે કોઇ તકરાર કરો છો ખરા..?*

જવાબ – હા… મને બટાકા સિવાય કોઇ શાક ન ભાવે.. જો મમ્મી બીજુ કોઇ શાક બનાવે એટલે મારે ઝઘડો થાય અથવા હું ખાધા વિના ઉભો થઇ જવું…
આટલું લખીને મોહનને યાદ આવ્યું કે બટેકાથી મમ્મીને ખૂબ ગેસ થઇ જાય અને પેટમાં પણ દુ:ખે.. પણ પોતે જીદ કરે કરે ને કરે જ.. એટલે મમ્મી પોતાના બટેકાના શાકમાં એક મોટો ચમચો અજમો નાખીને ખાય.. એકવાર તે શાક ભૂલથી મોહને ખાઇ લીધેલું તો તરત જ થૂંકી નાંખેલું… મમ્મી તું આવું ખાય છે…? બહેન પણ કહેતી કે આપણાં ઘરમાં એવી સ્થિતિ નથી કે રોજ બે જુદા જુદા શાક બને… તું નથી માનતો એટલે મમ્મી બિચારી શું કરે …?
અને મોહન પોતાની યાદમાંથી બહાર આવ્યો અને પછીનો પ્રશ્ન વાંચ્યો.

*પ્રશ્ન નં – ૬ તમે કરેલી છેલ્લી જીદ અને તેનું સ્વરુપ લખો.*

જવાબ –મોહને જવાબ લખવાનું શરુ કર્યુ. ‘મારી બોર્ડની પરીક્ષા પુરી થઇ ને બીજા દિવસે મેં બાઇક માટે જીદ કરેલી.. પણ પપ્પાએ કોઇ જવાબ ન આપ્યો.. મમ્મીએ સમજાવ્યો કે ઘરમાં પૈસા નથી.. પણ હું ન માન્યો.. મેં બે દિવસથી ખાવાનું પણ બંધ કરી દીધું છે અને મેં જીદ કરી છે કે જ્યાં સુધી મને બાઇક ન લાવી આપો ત્યાં સુધી હું જમીશ નહી.. અને આજે તો ઘરે પણ પાછો નહી ફરુ તેમ કહીને જ નીકળ્યો છું. મોહને પોતાની જીદનો પ્રમાણિકપણે જવાબ લખ્યો.

*પ્રશ્ન- ૭ તમને આપવામાં આવતી પોકેટમનીનો શો ઉપયોગ કરો છો…? તમારા ભાઇ કે બહેન તેનો શો ઉપયોગ કરે છે ?*

જવાબ – પપ્પા દર મહિને મને સો રુપિયા આપે છે.. તેમાંથી હું મને મનગમતો પરફ્યુમ.. ગોગલ્સ.. જેવી વસ્તુઓ કે ક્યારેક મિત્રોની નાની નાની પાર્ટીઓમાં ખર્ચ કરું છું. મારી બહેનને પણ પપ્પા સો રુપિયા આપે છે.. તે નોકરી કરીને કમાય છે.. તે પોતાની કમાણી મમ્મીને આપે છે અને પોકેટમની ગલ્લામાં નાખી બચાવી રાખે છે.. તેને કોઇ જ શોખ નથી.. તે કંજુસ પણ છે.  


*પ્રશ્ન – ૮ તમે તમારી પારિવારિક ભૂમિકા શું સમજો છો..?*

પ્રશ્ન અટપટો અને અઘરો હતો પણ મોહને વિચારી જવાબ લખ્યો.. પરિવારમાં જોડાઇને રહેવું.. એકમેક પ્રત્યે સમજણ રાખવી.. એકમેકને મદદ કરવી.. અને પોતાની જવાબદારી નિભાવવી.

અને આ લખતા જ મોહનને અંદરથી જ અવાજ સંભળાયો.. શું મોહન તું પોતે પોતાની પારિવારિક ભૂમિકા યોગ્ય રીતે ભજવી રહ્યો છે…?
અને અંદરથી જ પોતાનો જવાબ સંભળાયો ‘ના’

*પ્રશ્ન – ૯ શું તમારા પરિણામોથી તમારા માતા-પિતા ખુશ છે ? શું તે સારા પરિણામ માટે જીદ કરે કે તમને લડે છે ?*

આ જવાબ લખતા મોહનની આંખો ભરાઇ આવી… તે હવે પોતાની પારિવારીક ભૂમિકા સમજી ગયો હતો.. તેને જવાબ લખવાની શરુઆત કરી… ‘આમ તો હું ક્યારેય મારા માતા-પિતાને સંતોષકારક પરિણામ આપી શક્યો નથી. જો કે તેમને તેની ક્યારેય જીદ પણ કરી નથી.. અને મેં સેંકડો વાર તેમને આપેલા રિઝલ્ટના પ્રોમીસ તોડયાં છે..’

*પ્રશ્ન નં -૧૦ પારિવારિક અસરકારક ભૂમિકા ભજવવા માટે વેકેશનમાં તમે કેવી રીતે મદદરુપ થશો ?*

જવાબ : મોહનની કલમ ચાલે તે પહેલાં તેની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી…. આ પ્રશ્નનો જવાબ લખતા પહેલાં જ મોહનની પેન ફસડાઇ પડી અને બેંચ પર નીચે મોં ઘાલીને રડી લીધું.. મોહને ફરી પેન ઉપાડી પણ આ પ્રશ્નનો જવાબ તે લખી ન શક્યો.. અને છેલ્લો જવાબ કોરો મુકીને પેપર સબમીટ કરી દીધું.

ગેટ પર જ દીદીને જોઇ તે તેની પાસે દોડી ગયો.

‘ભઇલું.. લે આ આઠ હજાર રુપીયા.. મમ્મી એ કહ્યું છે કે મોહનને કહેજે કે બાઇક લઇને ઘરે આવે.’ અને તેની દીદીએ મોહન સામે પૈસા ધર્યા.

‘ક્યાંથી લાવી આ પૈસા..?’ મોહને પુછ્યું.

‘મેં મારી નોકરીમાં એક મહિનાનો એડવાન્સ પગાર માંગ્યો તો તેમને આપ્યો.. મમ્મી પણ જ્યાં કામ કરે છે ત્યાંથી ઉછીના લાવી… અને મારી બચાવેલી પોકેટમની.. બધુ ભેગું કરીને તારા બાઇકના પૈસા કર્યા છે.’ દીદીએ જણાવતા કહ્યું.

મોહનની નજર પૈસા પર સ્થિર થઈ અને તેની બહેન  ફરી બોલી.
‘ભઇલું.. તું મમ્મીને કહીને આવ્યો હતો કે જો મને પૈસા નહી આપો તો ઘરે નહી આવું…! જો હવે તારે સમજવું જોઇએ કે ઘરમાં તારી પણ કંઇક જવાબદારી છે. મને પણ ઘણા શોખ છે.. પણ આપણાં શોખ કરતા પરિવાર વધુ મહત્વનો છે. તું અમારા સૌનો લાડકો છે.. પપ્પાને પણ પગે ખૂબ તકલીફ છે છતા તારા બાઇક માટે પૈસા ભેગા કરવા… તને આપેલ પ્રોમિસ પાળવાં.. પોતાના ફ્રેક્ચરવાળો પગ હોવા છતાં કામ કર્યે જ જાય છે…તું સમજી શકે તો સારુ…! કાલે રાત્રે પપ્પા પણ પોતાનું પ્રોમિસ નહી પુરુ કરવાના કારણે દુ:ખી હતા.. પપ્પાએ એક્વાર પ્રોમિસ તોડ્યું છે તેની પાછળ તેની મજબુરી છે… બાકી તેં પણ અનેકવાર પ્રોમિસ તોડેલા જ છે ને…!’ અને દીદી મોહનના હાથમાં પૈસા મુકીને ચાલી નીકળી.

અને ત્યાંજ તેનો ભાઇબંધ તેનું બાઇક લઇને સરસ સજાવીને આવી ગયો..’ લે.. મોહન.. હવેથી આ બાઇક તારુ.. બધા તો બાર હજારમાં માંગે છે… પણ તારા માટે જ આઠ હજાર હોં…!’

મોહન બાઇક સામે જોઇ રહ્યો અને થોડીવાર પછી બોલ્યો, ‘તું આ બાઇક તેમને જ આપી દેજે. મારાથી પૈસાની વ્યવસ્થા નહી થઇ શકે.’

અને તે સીધો ભાગવદસરની કેબિનમાં પહોંચ્યો..

‘અરે મોહન કેવું લખ્યું પેપરમાં…?’ ભાગવદસરે મોહનની સામે જોઇને કહ્યું.

‘ સર.. આ કોઇ પેપર નહોતું.. મારી જિંદગીનો રસ્તો હતો.. મેં એક જવાબ કોરો રાખ્યો છે.. પણ તે જવાબ હું લખીને નહી જીવીને બતાવીશ.’ અને મોહન ભાગવદસરના ચરણસ્પર્શ કરી ચાલી નીકળ્યો.

ઘરે પહોંચતા જ મમ્મી-પપ્પા અને દીદી તેની રાહ જોઇને ઉભા હતા.
‘બેટા.. બાઇક ક્યાં.. ?’ મમ્મીએ પુછ્યું.

મોહને તે પૈસા દીદીના હાથમાં આપતા કહ્યું, ‘ સોરી…મારે બાઇક નથી જોઇતું… અને પપ્પા મને રીક્ષાની ચાવી આપો… તમારે આરામ કરવાનો… હું આ વેકેશનમાં કામ કરીશ.. અને મમ્મી આજે સાંજે તને ભાવતું રીંગણ મેથીનું શાક બનાવજે.. રાત્રે પહેલી કમાણી લાવીશ એટલે સાથે જમીશું…!’

મોહનમાં આવેલ પરિવર્તન જોઇ મમ્મી તો તેને વળગી પડી, ‘ બેટા, તું સવારે જે કહીને ગયો હતો તે વાત મેં તારા પપ્પાને કરી એટલે તે ઘરે આવી ગયેલા… મને ભલે પેટમાં દુ:ખે હું તો રાત્રે તને ભાવતું શાક જ બનાવીશ.’

‘ના મમ્મી.. મને હવે સમજાઇ ગયું છે કે પરિવારમાં દરેકની ભૂમિકા શું હોય છે.. રાત્રે મેથી રીંગણ જ ખાઇશ… મેં આજે પરીક્ષામાં છેલ્લો જવાબ નથી લખ્યો પણ પ્રેક્ટિકલ કરીને બતાવીશ.. અને હા મમ્મી આપણે લોટ દળાવીએ છીએ તે ઘંટીનું નામ શું અને તે ક્યાં છે..?’

અને પાછળ જ ભાગવત સર ઘરમાં દાખલ થયા અને બોલ્યા, ‘ વાહ.. મોહન જે જવાબ નથી લખ્યાં તે તું હવે જીવીને બતાવીશ…

‘સર તમે અહીં…?’ મોહન ભાગવદસરને જોઇ અચંબીત થઇ ગયો.

‘તું મને મળીને ચાલ્યો ગયો પછી મેં તારું પેપર વાંચ્યું એટલે તારા ઘરે આવ્યો.. હું ક્યારનો’ય તમારી વાતો સાંભળતો હતો, તારામાં   આવેલા પરિવર્તનથી મારી *અનોખી પરીક્ષા* સફળ બની. તું અનોખી પરીક્ષામાં પહેલા નંબરે આવ્યો છું.’ ભાગવદસરે મોહનના માથા પર હાથ મુક્યો.

મોહન તરત જ ભાગવદસરને પગે લાગી રીક્ષા ચલાવવા નીકળી ગયો.      

*સ્ટેટસ*

પરિવાર નામનો ભલે કોઇ વાર નથી
પણ તેના વિના એકે’ય તહેવાર નથી
નમીને ગમીને ને સમજીને સાથે રહેવું,
આ કોઈ સ્વાર્થનો વેપાર કે વહેવાર નથી.

Exit mobile version